Bhavnagar
ભાવનગરના 6 વર્ષીય બાળ કલાકારનો ટીવી સિરીયલોમાં અદ્ભૂત અભિનય
બરફવાળા
ભાવનગર ની માત્ર 6 વર્ષિય બાળાએ અનેક ટીવી સિરીયલોના દરજ્જાના કલાકારો સાથે અભિનય કરી ચુકી છે. સૃષ્ટિના રંગમંચ પર જન્મતા લોકો અને પ્રારબ્ધ પૂર્ણ કરી વિદાય લેતાં દરેક મનુષ્યોને કલાનો વારસો નથી મળતો કોઈ પણ પ્રકારની કળા તો કુદરતની બેનમૂન ભેટ છે અને સંસારનાં કોઈ કોઈ વિરલાઓ પર જયારે કુદરત રીઝે ત્યારે એકાદ કળાની બક્ષિસ પ્રદાન કરે છે પરંતુ આ જગતમાં માત્ર ભાવેણુ જ એવું શહેર છે કે જેને કલાનું પિયર ગણવામાં આવે છે અહીં કલાકાર જન્મે છે અને વિશ્વ ના સર્વશ્રેષ્ઠ રંગમંચ પર પોતાના કૌતુક નું સફળતાપૂર્વક પદાર્તપણ કરી પોતાની જાત સાથે જન્મ ભૂમિ ભાવેણાનુ નામ રોશન કરે છે.
ભાવનગરના વતની અને વર્ષે પૂર્વે અનેક લોકપ્રિય ગુજરાતી ચલચિત્રોની ભેટ આપનાર ગોવિંદભાઈ સાકરીયાના પુત્ર એવાં એક્ટર મોડેલ માનવ સાકરીયા તથા તેના પત્ની અભિનેત્રી મોડેલ નિતી સાકરીયાની 6 વર્ષિય પુત્રી આરીયા એ દાદા-પિતા માતાના અભિનય તથા કલાક્ષેત્રના વારસાને ખુબ નાની ઉંમરે અંકે કર્યો છે માત્ર એક જ વર્ષની વય આરીયાની હતી, એજ વખતે માતા પિતાએ બાળામાં રહેલ અભિનયના જન્મજાત ગુણને પારખી લીધો હતો અને પેરેન્ટ્સએ દિકરીને યોગ્ય પ્રોત્સાહન સાથે યોગ્ય પ્લેટફોર્મ પૂરૂં પાડતાં માત્ર 6 વર્ષની વયે બાળાએ કઠિન ગણાતા અદા ની ઝાકમઝોળ દુનિયામાં પોતાનો પગરવ સફળતા પૂર્વક રાખી દીધો છે, આટલા વર્ષોમાં ભાવેણાએ વિશ્ર્વ ફલક પર અનેક પ્રકારના અને એક એકથી ચડીયાતા કલાકારોની બેનમૂન ભેટ ધરી છે ત્યારે આ પિયરમાં આજે પણ કલાકારો જન્મે જ છે ત્યારે મૂળ ભાવનગર ના વતની અને અદાકારી એટલે કે અભિનય ક્ષેત્રે માદરે વતનથી દૂર મોહ- માયાની નગરી મુંબઈમાં જઈ વસી માયાનગરીને પોતાની કર્મભૂમિ બનાવનાર ભાવનગરી પરીવારની માત્ર છ વર્ષિય દિકરી એ કલાના કસબમા આગવી મહારત હાંસલ કરી છે અને ગરવા ગોહિલવાડનું નામ નાની ઉંમરે ઝળહળતું કર્યું છે.