Bhavnagar

સસ્તી કિંમતે સામાન વેચવાના બહાને નિવૃત પી.આઈ.સાથે રૂ.૨.૫૩ લાખની છેતરપીંડી

Published

on

દેવરાજ

છેલ્લા એક માસથી ભાવનગર રહેવા આવેલા નિવૃત્ત પોલીસ અધિકારીને સી.આઈ.એસ.એફ.ના સબ ઇન્સ્પેકટર તરીકેની ઓળખ આપી ત્રણ ગઠિયાઓ કળા કરી ગયા

સુરેન્દ્રનગરના વતની અને ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં છેલ્લા એક માસથી રહેતા નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટરને સી.આઈ.એસ.એફ. ના સબ ઇન્સ્પેક્ટર તરીકેની ઓળખ આપી સેકન્ડ સામાન સસ્તામાં વેચવાનો હોવાનું જણાવી સામાનની કિંમત તેમજ અલગ અલગ ચાર્જ પેટે કુલ રૂ. ૨,૫૩,૪૫૦ મેળવી લઈ નિવૃત્ત પોલીસ અધિકારી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવતા નિવૃત પોલીસ અધિકારીએ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગરના વતની અને છેલ્લા એક માસથી શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ નંદન સોસાયટીમાં રહેતા નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ લાલુભા ઝાલાએ સ્થાનિક એ. ડિવિઝન પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તેમનો પુત્ર ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો હોય છેલ્લા એક માસથી તેઓ ભાવનગરના કાળિયાબીડ ખાતે ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. દરમિયાન મોબાઈલ ફોન નં. ૬૦૦૧૩૩૮૪૦ ના ધારકે પોતાના વોટ્સએપ ડી.પી.માં નિવૃત્ત પી.આઈ. મહેન્દ્રસિંહ ઝાલાનો ફોટો મૂકીને ઔપચારિક વાત કરી હતી અને પરિચય કેળવ્યા બાદ તેણે તેમના મિત્ર ધરમશી કે જેઓ સી.આઇ.એસ.એફ.માં નોકરી કરતા હોય અને તેની બદલી થતાં તેમનો સામાન વેચીને જવાના છે, તમેં બહારગામથી અહીં રહેવા આવ્યા છો અને તમારે સામાનની જરૂર હોય તો તમને સસ્તામાં સામાન મળી જશે તેમ કહીને ધરમશીનો મોબાઈલ નંબર આપ્યો હતો.

2.53 lakh fraud with retired PI on the pretext of selling goods at cheap price

દરમિયાન ધરમશી એ પણ તેના મોબાઈલ ફોન નં. ૬૨૯૫૭૪૩૧૨૫ ઉપરથી ફોન કરીને પોતાની ઓળખ સી.આઇ.એસ.એફ.માં સબ ઇન્સ્પેક્ટર તરીકેની આપી અને પોતાની બદલી જમ્મુ થયેલ હોય અને ત્યાં સામાન લઈ જવો મુશ્કેલ હોય તેથી સસ્તામાં સામાન આપવાનો હોવાનું જણાવી સામાન માટે રૂ.૪૫,૦૦૦ ગુગલ પે માં ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. ત્યારબાદ તેમના અધિકારીની પણ બદલી થયેલ હોય તેમનું બુલેટ મોટર સાયકલ પણ સસ્તામાં આપવાનું હોય તેના ફોટા મોકલ્યા હતા જે તેમના મિત્રને પસંદ પડતા તે માટે રૂ.૬૫,૦૦૦ ગૂગલ પે થી મોકલ્યા હતા. ત્યારબાદ અન્ય સામાન માટે પણ રૂ. ૧૫ હજાર મોકલ્યા હતા.
આ પ્રક્રિયા બાદ સામાન મોકલવા માટે તેમના કેમ્પસમાથી વાહન બહાર કઢાવવા માટે અને જી.પી.એસ. ટ્રેકર માટે તેમજ અન્ય પ્રોસિજર માટે અલગ અલગ કરી રૂપિયા કટકે કટકે અલગ અલગ રકમ ટ્રાન્સફર કરાવી કુલ રૂ. ૨,૫૩,૪૫૦ મેળવી લીધા હતા. આ પ્રોસિજરમાં આખો દિવસ પસાર થાય બાદ રાત્રે મેસેજ આવ્યો હતો કે રાત હોવાથી હવે કંપનીમાંથી ગાડી બહાર ના નીકળી શકે તેમ જણાવતા નિવૃત્ત પીએસઆઇને પોતાની સાથે છેતરપિંડી થયાનું જાણ થતા તેમણે સાયબર ક્રાઇમ ગાંધીનગરના હેલ્પલાઇન નંબર ઉપર ફરિયાદ આપતા તેમની સૂચનાથી તેમને સ્થાનિક નિલમબાગ પોલીસ મથકમાં ત્રણ ઈસમો વિરુદ્ધ સેકન્ડમાં માલ સામાન વેચવા અંગે વિશ્વાસમાં લઈ રૂ. ૨,૫૩,૪૫૦ મેળવી લઇ વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

Trending

Exit mobile version