Gujarat
10 હજાર લોકોના મૃત્યુ, રમકડાંની જેમ ફંગોળાઈ ગઈ અનેક બોટ: કચ્છમાં વિકરાળ વિનાશ કરનાર એ વાવાઝોડું પણ જૂન 1998માં ત્રાટક્યું હતું
બરફવાળા
જૂન 1998માં ગુજરાતમાં આવ્યું હતું ખતરનાક વાવાઝોડું, ગુજરાત સહિત સમગ્ર દેશમાં થયું હતું ઘણું નુકસાન, જૂન મહિનામાં જ આવેલા તોફાને ભયંકર તબાહી મચાવી, બિપોરજોયને પણ 1998ના તોફાનની જેમ માનવામાં આવે છે ખતરનાક
અરબી સમુદ્રમાં બનેલા વાવાઝોડાની અસર ગુજરાતમાં વર્તાવાની શરુ થઈ ગઈ છે. વાવાઝોડું વધારે નજીક આવી રહ્યું છે તેટલી જ ગંભીર અસરો તેની થઈ રહી છે. આ વાવાઝોડાની સરખામણી વર્ષ 1998માં આવેલા વાવાઝોડા સાથે કરવામાં આવી રહી છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલા વાવાઝોડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, વાવાઝોડું બિપોરજોય જેમ-જેમ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા દરેક લોકો આ પ્રાર્થના કરી છે કે આ વાવાઝોડું નબળું પડે અને ઓછામાં ઓછું નુકસાન થાય. બિપોરજોય વાવાઝોડું 15 જૂને બપોરે દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના એલર્ટ અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છની સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતના ગાંધીનગર અને અમદાવાદ સુધી તેની અસર જોવા મળશે, પરંતુ તેનું એપીસેન્ટર કચ્છ જ રહેશે.
આવી સ્થિતિમાં કચ્છના લોકોમાં 1998માં આવેલા વાવાઝોડાની યાદો તાજી થઈ રહી છે. જ્યારે જૂન મહિનામાં જ આવેલા તોફાને ભયંકર તબાહી મચાવી હતી. બિપોરજોયને પણ 1998ના તોફાનની જેમ જ અત્યંત ખતરનાક માનવામાં આવે છે. જૂન 1998માં આવેલ વાવાઝોડાનું લેન્ડફોલ પણ ગુજરાતમાં થયું હતું. બિપોરજોય પણ ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. વર્ષ 1998માં આવેલું વાવાઝોડું સિંધ-ગુજરાત બોર્ડરે ટકરાયું હતું. આ વિનાશક ચક્રવાત 4 જૂને સર્જાયું હતું અને 8 જૂને લેન્ડફોલ થયું હતું. આ ચક્રવાતમાં 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. એક રિપોર્ટ મુજબ આ ચક્રવાતથી દેશભરમાં 10,000 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં ગુજરાતમાં સૌથી વધુ મોત નોંધાયા હતા. ગુજરાતમાં 1173 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 1500થી વધુ લોકો લાપતા થયા હતા. આ વાવાઝોડાની તબાહી એવી હતી કે આજે પણ કચ્છના લોકો આ વાવાઝોડાને યાદ કરીને કંપી ઉઠે છે.