Sihor
સિહોર ; ગુવાર-ચોળી-લીંબુનો ભાવ પ્રતિ કિલોએ 200 ને પાર, મધ્યમવર્ગ બેહાલ
પવાર
- માવઠાને કારણે શાકભાજી-કઠોળના ભાવમાં તોતિંગ ભાવવધારો ; લાલ મરચું, હળદર, ધાણા-જીરૂના ભાવો પણ માવઠાને લીધે આસમાને પહોંચ્યા, ખાદ્યતેલના ભાવો પહેલેથી જ ઉંચા છે
સિહોર સાથે જિલ્લામાં ઉપરા ઉપરી માવઠા અને કમૌસમી વરસાદના પગલે આવકો ઘટતા શાકભાજીના ભાવોમાં રોકેટ ગતિએ ઉછાળો આવેલ છે. ગુવાર-ચોળી-લીંબુનો ભાવ કિલોના રૂા.૨૦૦ને આંબી જતા ગૃહિણીઓમાં દેકારો થઈ ગયેલ છે. દાળ-કઠોળના ભાવ પણ ઉંચા હોવાથી સામાન્ય પરિવારોને છાશ-રોટલા ખાઈને અચ્છેદિનનો અનુભવ કરવો પડે તેવી સ્થિતી સર્જાય છે. ઉનાળાનો વહેલો પ્રારંભ થઈ ગયા પછી માવઠાનો દૌર સતત ચાલુ રહેતા ખેતીના અન્ય પાકોની સાથે ઉનાળુ શાકભાજીના વાવેતરને પણ નુકશાન થયેલ છે. પરિણામે શાકભાજીની આવકો ઓછી રહેતા ભાવોમાં ઉછાળો આવેલ છે. ઉનાળાના પ્રારંભ સાથે લીંબુની માંગમાં વધારો થતા ૬૦ થી ૮૦ રૂા. કિલો મળતા લીંબુનો ભાવ વધીને રૂા.૨૦૦ના કિલોનો થઈ ગયેલ છે. તેવી જ રીતે ગુવાર-ચોળીનો ભાવ પણ કિલોના રૂા.૧૬૦ થી ૨૦૦નો થઈ ગયેલ છે. સુરતી ટીંડોળા, પરવર,રીંગણ, કોથમીરના ભાવમાં પણ તોતિંગ વધારો થઈ ગયો હોવાનું જાણવા મળે છે. વેપારીઓના કહેવા મુજબ માવઠાને કારણે શાકભાજીના પાકને નુકશાન થતા આવકો ઓછી હોવાથી ભાવો ઉંચા છે.. આગામી દિવસોમાં શાકભાજીની આવકો વધશે તો ભાવો ફરી સામાન્ય થઈ જવાની આશા વેપારીઓ વ્યકત કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં દાળ-કઠોળના ભાવોમાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે, ત્યારે શાકભાજીના ભાવો પણ આસમાને આંબતા ગૃહિણીઓ માટે દરરોજ શું બનાવવું તે પ્રશ્ન વિકટ બની ગયેલ છે. લાલમરચુ, હળદર, ધાણાજીરૂના ભાવો પણ માવઠાને લીધે સળગી રહ્યા છે ખાદ્યતેલના ભાવો પહેલેથી જ ઉંચા છે.. સામાન્ય પરિવારોને છાશ-રોટલા ખાઈને અચ્છેદિનના અનુભવ કરવા પડે તેવી સ્થિતી છે. શાકભાજીના બેફામ ભાવવધારાથી ગૃહિણીઓમાં ચિંતા સાથે રોષની લાગણી ફેલાવા પામેલ છે. રાજ્ય સરકારે દાળ,કઠોળ, ખાદ્યતેલ, મસાલાના ભાવોને કાબુમાં લેવાના અસરકાર પગલા લેવા જોઈએ તેવી લાગણી અને માંગણી પ્રવર્તે છે.