Bhavnagar
વીજળીના દ્રશ્યો / કાળજું કંપી જાય તેવા દ્રશ્યો : ભાવનગરમાં વીજળી પડ્યાનો વીડિયો થયો વાયરલ
શહેરમાં વીજળી પડ્યાનો વીડિયો વાયરલ, શહેરના ગઢેચી વડલા RTO રોડ પાસેનો વીડિયો વાયરલ, ભાવનગર શહેરમાં બપોર બાદથી વરસાદ શરુ
બરફવાળા
ભાવનગર શહેરમાં આજ બપોરથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરુ થયો છે.આ મેઘાવી માહોલ વચ્ચે અવકાશી વીજળી પડ્યાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. આજે બપોરથી જ ભાવનગરમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. બપોરના સમયગાળા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેને લઇને શહેરના સ્થળ ત્યાં જળ જેવા દ્રશ્ય સર્જાયા હતા. આવી સ્થિતિ વચ્ચે ભાવનગર શહેરમાં અવકાશી વીજળી જમીન પર ત્રાટક્યાનો ડરામણો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભાવનગર શહેરના ગઢેચી વડલા RTO રોડ પાસે વીજળી પડ્યાનો બનાવ વીડિયો મોબાઈલમાં કેદ થયો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. જેને લઇને ભાવનગર સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ભાવનગરમાં બપોર બાદ ભારે વરસાદ તૂટી પડ્યો હતો જેને લઈને બે કલાકમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો વલ્લભીપુરમાં બે કલાકમાં ચાર ઇંચ જેવો તોફાની વરસાદ ત્રાટકયો હતો. જેને લઇને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો. ઉપરાંત ભાવનગરના સુભાષનગર પ્રભુદાસ તળાવ, શિવાજી સર્કલ, જકાતનાકા સહિતના વિસ્તારોમાં ગોઠણસમો જળભરાવ થયો હતો. આથી અનેક વાહનચાલકો અટવાયા પણ હતા.