Gujarat
તિર્થનગરી પાલીતાણામાં 15000થી વધુ આરાધકો ચાતુર્માસમાં આરાધના કરશે
તિર્થનગરી પાલીતાણામાં 15000થી વધુ આરાધકો ચાતુર્માસમાં આરાધના કરશે
-સિદ્ધાચલ ગિરિરાજની છત્રછાયામાં આ વર્ષે ચાતુર્માસના ભવ્યાતિભવ્ય આયોજનો: મોટાભાગની જગ્યાએ 50 દિવસીય ચતુર્માસ થશે
બરફવાળા
પવિત્ર તિર્થનગરી પાલીતાણા શાશ્વત શત્રુંજય ગિરિરાજની છત્રછાયામાં એક ગચ્છાધિપતિ અને 13થી વધુ આચાર્ય ભગવંતો તેમજ 1500થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં 15000થી વધુ આરાધકો ચતુર્માસ આરાધના સિદ્ધાચલ ગિરિરાજની તળેટી પાલીતાણા ખાતે કરશે. જેમાં પાલીતાણા શહેરની તળેટીમાં આવેલ 70થી વધુ ધર્મશાળાઓમાં આરાધના કરશે. ઘણા સમય પછી આટલી સંખ્યામાં સાધુ સાધ્વીજી ભગવંતોની ઉપસ્થિતિમાં ચાતુર્માસનું આયોજન થઈ રહ્યું છે. જ્યારે અષાઢ સુદ ચૌદસથી શેત્રુંજય ગીરીરાજની યાત્રા બંધ થશે. જે અષાઢ સુદ ચૌદસથી કારતક સુદ પૂનમ સુધી યાત્રા બંધ રહેતી હોય છે. આ ચાર માસ દરમિયાન માંગલિક કાર્ય જેવા કે પ્રતિષ્ઠા મહોત્સવ, દીક્ષા મહોત્સવ, ખનન વિધિ, નવા જિનાલય માટેનું ખાતમુહર્ત જેવા કાર્ય થતા નથી. ચાતુર્માસ દરમિયાન સાધુ સાધ્વીજી ભગવંતો એક જ જગ્યાએ સ્થિરતા કરી ધર્મ આરાધના કરે છે.પાલીતાણામાં મોટાભાગની જગ્યાએ 50 દિવસીય ચતુર્માસ થવાના છે. જે અષાઢ સુદ -14 (ચૌદશ)થી ભાદરવા સુદ- 6 સુધી એટલે કે 50 દિવસ ચાતુર્માસ થશે. પાલીતાણામાં ચાતુર્માસ માટેનો ગુરુ ભગવંતોનો પ્રવેશ અષાઢ સુદ સાતમ, આઠમથી શરૂ થાય ગયા છે, જે અષાઢ સુદ તેરસ સુધી થશે. ચાતુર્માસ દરમિયાન આરાધકો નિત્ય પ્રતિક્રમણ, ભગવાનની પૂજા, ગુરુભગવાનતોનું વ્યાખ્યા, એકસણા,બેસણા, આયંબિલ તપ કરી ચાતુર્માસ આરાધના કરતા હોય છે અને પુણ્યનું ભાથું બાંધે છે. ચાતુર્માસના ચાર મહિના જે અષાઢ સુદ પુનમથી કારતક સુદ પુનમ સુધી ડુંગર પર યાત્રા બંધ રહે છે, એમ કહેવાય છે કે અહિંસાના પાયાના સિદ્ધાંતોને માનનારા જૈન લોકો ચોમાસા દરમિયાન ડુંગર પર લીલોતરી હોય, જેથી નાનામાં નાનો જીવ પણ પોતાના પગ નીચે આવી ન જાય તે માટે ડુંગર પર યાત્રા કરતા નથી, તેમજ સાધુ, સાધ્વીજી ભગવંતો પણ વિહાર કરતા નથી અને ચાતુર્માસ દરમિયાન સાધુ, સાધ્વીજી ભગવંતો સ્થિર રહે છે અને ગુરુ દેવોની નિશ્રામાં શ્રાવક, શ્રાવિકાઓ આરાધના કરતા હોય છે.