Food
ભાદરવામાં શાકભાજી ફેંકી દેવા પડે તેવી હાલત હોય છે તેના બદલે વિપરીત ચિત્ર
ભાદરવામાં શાકભાજી ફેંકી દેવા પડે તેવી હાલત હોય છે તેના બદલે વિપરીત ચિત્ર
હેડિંગ
શાકભાજી કરતા ફ્રૂટ સસ્તા! ધરખમ ઉંચા ભાવથી વેપારીઓ પણ સ્તબ્ધ
લીંબૂ – કોથમરી – મેથી – પાલક જેવી ચીજોના નામ પણ નથી લેવાતા; ભારે વરસાદમાં પાક ખરી કે બળી ગયો, 15 – 20 દિવસ ઉઘાડ રહે તો હાલત સુધરશે; ફરી વરસાદ ત્રાટકે તો તાત્કાલીક રાહત નહીં મળે, બટેટા કરતા ડુંગળી મોંઘી: લોકલ શાક ખાસ આવતું નથી, અન્ય સેન્ટરોનો ઘણો માલ નબળો-બગડેલો નિકળતો હોવાનો ઉહાપોહ
દેવરાજ
હવામાનમાં અસામાન્ય ફેરફારોની જેમ કૃષિ પાકોમાં પણ બાગ્યે જ જોવા મળતી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. તાજેતરના સળંગ ભારે વરસાદમાં પાક ધોવાતા શાકબાજીના ભાવ ધરખમ ઉંચા થયા છે. સામાન્ય રીતે ભાદરવા મહિનામાં ચિક્કાર આવક વચ્ચે શાકભાજી ફેંકી દેવાની હાલત થતી હોય છે તેનાથી તદ્ન વિપરીત ચિત્ર હાલ સર્જાયું છે અને વેપારીઓ પણ સ્તબ્ધ બન્યા છે. શાકભાજી કરતા મોસંબી-સફરજન સહિતના ફ્રૂટ સસ્તા મળતા હોવાની સ્થિતિ સર્જાઇ છે. માર્કેટ યાર્ડ-શાકભાજીના સૂત્રોએ કહ્યું છે કે વર્તમાન અસામાન્ય પરિસ્થિતિ માટે જન્માષ્ટમીના તહેવારોમાં વરસેલો ભારે સળંગ વરસાદ જવાબદાર છે. વરસાદે વિરામ લીધા બાદ બે-ત્રણ દિવસ ભાવ એકદમ નીચા આવી ગયા હતા. પરંતુ ખેતરોમાં નવો પાક ધોવાઇ ગયો હોવાનું સ્પષ્ટ થતા સડસટાડ તેજી થઇ ગઇ હતી. અત્યારે હાલત એવી છે કે લોકલ સેન્ટરોમાંથી શાકભાજીની ખાસ આવક નથી. ગુજરાત બાજુથી આવે છે અને તેમાં પણ ઘણા શાકભાજી ખરાબ કે બગડેલા નીકળતા હોવાનું કહેવાય છે. અત્યારે કદાચ કોઇપણ શાકભાજી સસ્તા નથી. કોબીજમાં પણ હોલસેલ ભાવ 200 થી 400 છે. જે સામાન્ય રીતે 100થી પણ નીચે રહેતો હોય છે. ફ્લાવર, ભીંડો, ગુવાર, ચોળાશીંગ, વાલોર, ટીંડોળા, કારેલા, સરગવો, તુરીયા, ગલકા જેવા તમામ શાકના હોલસેલ ભાવ પણ પ્રતિકિલો 50થી વધુ છે અને તેમાં પણ ઘણું બગડેલું નીકળતું હોવાથી રીટેઇલમાં 100થી નીચુ ન મળે તે માટે સ્પષ્ટ છે. મરચાના પાકને પણ મોટું નુકશાન થયું છે. કોથમરી, મેથી, પાલક, બીંલૂ જેવી ચીજોના નામ નથી લઇ શકાતા. કારણ કે આ ચીજોમાં હોલસેલ ભાવ પણ 100 થી 200 કે તેથી પણ વધુ છે. બટેટા-ડુંગળીમાં પણ સમાન હાલત છે. ડુંગળીનો ભાવ બટેટાથી ઉંચો થઇ ગયો છે. ફ્રૂટમાં હાલ મોસંબી તથા સફરજનની ચિક્કાર સિઝન છે. મોસંબી મહારાષ્ટ્રથી ઠલવાઇ છે. રીટેઇલમાં 30 થી 400 રૂપિયાની કિલો મળે છે. સફરજન પણ 100 રૂપિયાની આસપાસ બોલાય છે આમ તેનાથી વધુ ભાવ શાકભાજીના છે.વેપારીઓના કહેવા પ્રમાણે છેલ્લા ચાર-પાંચ દિવસથી ઉઘાડ છે. હજુ પંદર-વીસ દિવસ આવી સ્થિતિ રહી તો નવો પાક આવી શકે અને ભાવ નીચા આવી શકે. ફરી ભારે વરસાદ થાય તો નવી આવકોમાં વધુ વિલંબ થાય અને વર્તમાન સ્થિતિમાં કોઇ રાહત ન મળી શકે.