આખો દિવસ માર્ગો બેન્ડવાજાની સુરાવલીઓ અને ડીજેના નાદ સાથેની વિસર્જન યાત્રાથી ધમધમતા રહ્યા, ગણેશની મૂર્તિઓનું વિસર્જન, ગણેશ મહોત્સવનો વિરામ

દેવરાજ બુધેલીયા
અગિયાર દિવસ પહેલા ગણેશ ચતુાર્થીના દિવસે ગત સોમવારે સિહોર અને પંથકમાં ઠેર ઠેર ગણપતિની સ્થાપના કરાયા બાદ આજે અગિયારમા દિવસની પુર્ણાવતીને લઈ શ્રદ્ધાળુઓએ દૂંદાળા દેવને ઉષ્માસભર વિદાય આપી હતી. સિહોર શહેરના માર્ગો આખો દિવસ બેન્ડવાજાની સુરાવલી અને ડીજેના તાલ સાથેની વિસર્જન યાત્રાથી ધમાધમતા રહ્યા હતા. સિહોર શહેર સહિત પંથકના નાના ગામડાઓ સુધી સર્વત્ર ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. યુવક મંડળો અને સંસ્થાઓ દ્વારા જાહેર મહોત્સવના આયોજન સાથે લોકોએ પોતાના ઘરમાં પણ ગણપતિનું સ્થાપન કરીને પૂજા-અર્ચના શરૂ કરી હતી અગાઉ અમુક ભાવિકોએ દોઢ, ત્રણ અને પાંચ સાત દિવસમાં વિસર્જન કરી નાંખ્યું હતું. પરંતુ આજે ગણેશ સ્થાપનનો અગિયારમા અને અંતિમ દિવસે જાહેર મહોત્સવોના મોટાભાગના વિસર્જન આજે રાખવામાં આવ્યા હતા. સવારમાં દૂંદાળા દેવની પૂજા-અર્ચના કરીને પ્રસાદ ધરાવાયા બાદ વિસર્જન યાત્રાઓ શરૃ થઈ હતી. વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અબીલ-ગુલાલની છોળો સાથે ભાવિકોએ બાપ્પાને વિદાય આપી હતી. અનુકૂળતા મુજબ લોકોએ સ્થળની પસંદગી કરીને મૂર્તિઓ પધરાવી હતી. અગિયાર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો દરરોજ યોજાયા બાદ વાજતે-ગાજતે વિસર્જન કરાયું હતું..વિસર્જન સમયે દરિયાના પટે ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આના નાદથી ગુંજી ઉઠ્યો હતો