નર્મદાના નીરના વધામણા કરવા કેવડિયા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીવીઆઈપી બંદોબસ્તમાં આવેલા નવસારીના પોલીસ સબ ઈન્સપેક્ટર એન સી ફીણવિયા (ઉં.વ 29) એ પોતાના કપાળમાં પોતાના સાથી સબ ઈન્સપેક્ટરની સર્વિસ પિસ્ટલ વડે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણકારી મળતાં સીનિયર પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. આત્મહત્યાની આ ઘટના કેવડિયાના વીવીઆઈપી સર્કિટ હાઉસના પહેલા માળે ઘટી હતી. જ્યાં ગુજરાતના મંત્રી મંડળના સભ્યો અને સીનિયર આઈએએસ આઈપીએસ અધિકારીઓને રાખવામાં આવ્યા હતા. મૂળ સુરતના વતની અને નવસારીમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સપેક્ટર એન સી ફીણવિયા નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તે દરમિયાન તેમની સામે ખાતાકિય તપાસ શરૂ થતાં તેમને ફરજ મોકુફી ઉપર ઉતારી દેવામાં આવ્યા હતા. તાજેતરમાં તેમને ફરજ પર પાછા લેવાનો આદેશ થયો હતો. જોકે તેમને લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેદ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનીટીની મુલાકાતે આવવાના હોવાને કારણે રાજ્યભરમાંથી પોલીસ અધિકારીઓ અને જવાનોને વીવીઆઈપી બંદોબસ્ત માટે કેવડિયા મોકલવામાં આવ્યા હતા. જેમાં ફીણવિયાનો પણ સમાવેશ થયો હતો. પોલીસની બ્લ્યૂ બુક પ્રમાણે વીવીઆઈપી બંદોબસ્તમાં વીઆઈપીની નજીક ફરજ બજાવતા યુનિફોર્મમાં રહેલા પોલીસ અધિકારીઓ હથિયાર રાખી શક્તા નથી. ફીણવિયાનો બંદોબસ્ત વીઆઈપીની નજીક હોવાને કારણે હથિયાર ન હતું. બ્લ્યૂ બુક પ્રમાણે ખાનગી કપડામાં રહેલા પોલીસ અધિકારીઓને કન્સિવ વેપન રાખવાનું હોય છે. જેનો અર્થ અધિકારી પાસે હથિયાર છે તે કોઈ જોઈ શકે નહીં તે રીતે હથિયાર રાખવાનું હોય છે. નવસારીના અન્ય પોલીસ સબ ઈન્સપેક્ટર એમ બી કોંકણી ખાનગી કપડામાં બંદોબસ્તમાં હતા. તેમની પાસે કન્સિવ વેપન હતું. પીએસઆઈ ફીણવિયાએ મારે વેપન સાથે ફોટો પાડવો છે તેવું કહી કોંકણી પાસે તેમની સર્વિસ પિસ્તોલ માગી હતી અને પિસ્ટલ હાથમાં આવતા તેમણે બે આંખોના ઉપરના ભાગે કપાળમાં પિસ્ટલ ગોઠવી ટ્રીગર દબાવી દીધું હતું. સાથે રહેલા પોલીસ કર્મીઓ કાંઈ સમજે તે પહેલા પોઈન્ટ બ્લેન્કથી થયેલા ફાયરિંગના કારણે ફીણવિયાની ખોપરીના ફૂરચા ઉડી ગયા હતા.
સુરતમાં ફીણવિયાનો પરિવાર રહે છે. જેમાં નવસારીમાં ફીણવિયાની દીકરી જુનિયર કેજીમાં અભ્યાસ કરે છે. આ ઘટનામાં એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. નર્મદા પોલીસને મૃતક પીએસઆઈ ફીણવિયાના ખિસ્સામાંથી એક સ્યૂસાઈડ નોટ મળી આવી છે. જેમાં સિનિયર અધિકારીઓ માનસીક ત્રાસ આપતા હોવાને કારણે હું જીવનનો અંત આણું છું તેવું લખ્યું છે.
ચાલુ વર્ષે આ ત્રીજા પોલીસ સબ ઈન્સપેક્ટરે સર્વિસ વેપનથી આત્મહત્યા કર્યાની ઘટના છે. અગાઉ વડોદરા અને અમદાવાદના સબ ઈન્સપેક્ટરે પણ આમ જ વેપનથી આત્મહત્યા કરી હતી.